માતૃભાષા માટે ગુજરાતીઓના પ્રેમની સીમાઓ.
સૌથી પહેલાં એક વાત કહી દઉ કે મને મારી માતૃભાષા અનહદ વ્હાલી છે.એના વિરોધમાં આ લેખ નથી.મહેરબાની કરીને એની નોંધ દરેક મુલાકાતી લે.આજ કાલ મને ગુજરાતી સાહિત્ય સાથે જરા વધુ રહેવાનો લ્હાવો મળ્યો.ધબકારની સુગમ-સંગીત અને કાવ્ય-પઠનની સૂર-શબ્દોથી ગૂંથેલી યાદગાર બેઠક. એ પણ વળી ખ્યાતનામ કવિઓ શ્રી તુષાર શુકલ અને શ્રી કૃષ્ણ દવે સાથે.વળી બીજા જ દિવસે રજવાડું ખાતે “વિશ્વ માત્રુભાષા દિન”ની ઉજવણી નિમિત્તે શ્યામલ સૌમિલ,આરતી મુનશી અને બીજા બહુ બધા સરસ મજાના કલાકારો સાથે કરી.એ બધામાં બહુ મજા આવી.
ત્યાં એક સ્કુલના ટીચર મળી ગયા.બહુ ખુશ થયા મળીને.સાથે જ એક દુઃખદ સમાચાર આપતા કહ્યું કે,’આપણી શાળા ‘મોહિનાબા” ગુજરાતી માધ્યમ હવે બંધ કરી રહી છે.ફક્ત અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખશે.આંસુ આવી ગયા આંખમા સાચે આ સાંભળીને.
->આકર્ષક સરસ મજાનો પગાર મળતો હોય તો મજાલ છે કોઈ ગુજરાતી બચ્ચાની કે એ બીજી ભાષાની શરણાગતી સ્વીકારે?ગુલામી કરે? ગુજરાતી ભાષાના કવિઓ, લેખકો,સંગીતકારોને કે ગાયકોને સંતોષકારક મહેનતાણું મળતું થાય તો કેટલા આશાસ્પદ કલાકારો મળી શકે એમ છે.પણ પેલું કહેલ છે ને કે,
“ભૂખ્યા પેટે ભગવાનની પૂજા ના થાય”,
બસ એવું જ કંઈક.ગુજરાતી સાહિત્યના સમાચાર ગુજરાતમાં જ ગુજરાતી છાપા કે ટી.વી.માં આપવા માટે પણ કેટ-કેટલા પાપડ બેલવા પડે છે.કલાકારોને એક હદ સુધી તોડી કાઢે છે.અનેક ટીકાઓ,સંઘર્ષ સહન કરીને એણે પોતાની કલાને વિકસાવી હોય અને કોઈ જ પ્રતિસાદ ના મળતા છેલ્લે આ તો ખાલી શોખ છે અને બસ દિલ ખુશ થાય છે આવી પ્રવ્રુતિઓથી એમ કહીને મન મારીને ચૂપ ચાપ બેસવું પડે છે. અને આમ જ એક દિવસ એની અંદર-અંદરથી ગુજરાતીપણું ક્યારે મરતું જાય છે એ એને પોતાને જ નથી સમજાતું.
મને તો ગુજરાતી ભાષાના અસ્તિત્વ અંગે નહીં પણ ગરવા ગુજરાતી ના ‘ગુજરાતીપણાના અસ્તિત્વની’ ચીંતા થાય છે.આજના સુપરફાસ્ટ જમાનામાં ભૂખ્યા પેટે એ માંદલો અને તૂટી ગયેલ ગુજરાતી પેટીયું રળવાની ચીંતા પહેલા કરશે કે ગુજરાતી ભાષાને બચાવવાના પ્રયાસો કરશે? અને એ બધા સંજોગો જો એને તોડી કાઢશે તો એ કયાં સુધી પોતાની માતૃભાષા પર મને ગર્વ છે જેવી ખોખલી વાતો કરી શકશે? હકીકતની દુનિયામાં જીવતા અનેક લોકો મારી વાત સાથે સંમત થશે જ, હા અહીં ખુલ્લે આમ લખવાની હિંમત કેટલા કરશે એ મને નથી ખબર.!!
મારે આ પ્રશ્ન કોઈ ગુજરાતી મેગેઝીન કે છાપામાં પણ આપવો છે.દીવા જેવી નજરે ચડતી સળગતી હકીકત તરફ લોકોનું ધ્યાન દોરવું છે.કોઈની ઓળખાણ હોય તો કહેજો.
ગુજરાતી સાહિત્યની માફી સાથે.
No comments:
Post a Comment