Sunday, April 18, 2010

લાપીની કવિતાનો ડિજિટલ એક્સ-રે

સમયની ક્ષિતિજ પર કેટલાંક પગલાંની છાપ અમીટ રહેતી હોય છે. કેટલીક આયુ એવી હોય છે જે કેલ્કયુલેટરના સ્ક્રીનની સીમા વટાવી જાય છે અને કેલેન્ડરનાં પાને તે તવારીખનો હિસ્સો બનીને જડાઇ જાય છે. એક એવું જ નામ ગુજરાતના કવિ કલાપી. લાઠીના જ નહીં, ગુજરાતી કવિતાના ચાહકોના ઉર્મિવિશ્વના પણ રાજવી. વય માત્ર છવ્વીસ વર્ષ. સ્મરણ વય કદાચ ચિરકાલીન. અઢી દાયકાની ઉમરમાં કલાપીએ કેટલું કર્યું? ન ગમતું હોવા છતાં રાજપાટ સંભાળ્યું. ગેયતાથી ભરપુર, સંવેદનાથી છલોછલ કવિતાઓ લખી.

હૈયામાં ઉઠતા ભાવોનાં વહેણ સમા પત્રો લખ્યા. લગ્ન કર્યા, પ્રેમ કર્યો, પ્રવાસ કર્યો. અને તેમના જીવનના આ તમામ પાસાંને સમયાંતરે ભાવકોએ માણ્યા અને વિદ્વાનોએ મૂલવ્યા. પણ આ બધાથી પર અને ઉપર એક કલાપી હતા તે માણસ, વ્યક્તિ કલાપી. અને કદાચ આ પ્રેમી કલાપી, પતિ કલાપી, કવિ કલાપી, રાજ કલાપીની ચર્ચામાં માણસ કલાપી થોડા બાજુ પર રહી ગયા છે.



પરંતુ તાજેતરમાં એક પ્રયાસ થયો છે કલાપીના આ માનવીય પાસાને બહાર લાવવાનો. મુંબઇના એક વૃંદે ચાર ભાગમાં ઓડિયો સી.ડી.નું પ્રોડકશન કર્યું છે,‘યાદી ભરી ત્યાં આપની’. કલાપીના સમગ્રજીવન પર તેમાં ફોકસ છે. એમ કહેવાય કે તે રાજવી કવિના જીવનનો ફોટોગ્રાફ નહીં, એકસ-રે છે.



કલાપી એટલે શું? સ્નેહની ઉત્કટ તરસ, વૈરાગ્યની સતત ઝંખના, રાજ ખટપટોની ગૂંગળામણો, દિવ્ય અસ્તિત્વની ખોજ, વિધાનુરાગ એટલે કલાપી. લાઠીના રાજકંુવર, પરંતુ જીવ પહેલેથી વિધાભ્યાસ અને જગતભરનું જ્ઞાન મેળવવામાં. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ, પ્લેટો, શેકસપિયરથી લઇ ભારતીય કવિઓ-લેખકોને વાંચી સતત તેને પામવાનો પ્રયાસ. રાજયના કાવાદાવાથી દૂર જ રહેવું. વિધાવ્યાસંગી મિત્રોની સોબત અને સનમના માઘ્યમથી ખુદાની ખોજની સૂફી જેવી જીવનરીત. પત્નીને પ્રેમ કરતા હોવા છતાં તેની જ દાસી માટે પ્રથમ વાત્સલ્ય, વહાલ અને પછી વિવાહ. આ તાણાવાણામાં રહેંસાતું હૃદય, બળતો જીવ, ઉકળતો આત્મા. તેના પરિપાક રૂપે અવતરી ગઝલો, છંદોબઘ્ધ કવિતાઓ અને પત્રો તેમ જ પ્રવાસવર્ણન.



જુદા જુદા સમયે પુસ્તકો દ્વારા, અભ્યાસલેખો કે મહાનિબંધો દ્વારા કલાપીનું મૂલ્યાંકન થતું રહ્યું છે અને ભાવકોએ તેમને માણ્યા છે. પરંતુ તેમનું માનવીય પાસું અહીં આ નાટકમાં અસરકારક રીતે ઉપસ્યું છે. ગુજરાતી ભાષામાં એક પ્રયોગશીલ કામ તરીકે તેની નોંધ લઇ શકાશે. ડા".ધનવંત શાહે લખેલા નાટક ‘રાજવી કવિ કલાપી’નું આ ડિજીટલાઇઝેશન છે. રેડિયો નાટકની ઓછી લોકપ્રિય થતી જતી કળાને અહીં જીવંત કરાઇ છે. ઘ્વનિનું મહત્વ, આંગિક અભિનયનું પોત અહીં ઝળકે છે. વેદનાના ઘૂંટ પી-પીને અન્યો માટે અમૃતની ઇચ્છા રાખનારા, અંદરથી સતત ભીના રહેલા કવિના માર્મિક, વેધક પ્રસંગોને ધારદાર રીતે રજૂ કરાયા છે.



ભાષાનું સ્તર,ગરવાઇ પણ જળવાઇ છે અને તેની સાદગી પણ અખંડ છે. પ્રત્યેક સંવાદ એક ભાવવિશ્વ ખડું કરે છે. કલાપીનો પ્રેમ પ્રસંગ હોય કે કોઇને લખેલો પત્ર, પત્ની રમા સાથેનો સંવાદ હોય કે મિત્ર વાજસુર વાળા સાથેની ‘પર્સનલ’ વાત, બધામાં એવું વાતાવરણ ઊભું થાય છે કે શબ્દોના માઘ્યમથી લાઠીમાં વિહાર કરતા હોઇએ એવું લાગે. મેહુલ બુચના ઘુંટાયેલા અવાજમાં કોમ્પેઅરિંગ છે દિગ્દર્શન પણ તેમનું જ છે અને સુરેશ જોશી, પાર્થિવ ગોહિલ, શુભા જોશી, મનહર ઉધાસ, રેખા ત્રિવેદીએ કલાપીની કવિતાઓ ગાઇ છે.



જાણીતી રચનાઓ પણ છે અને કેટલીક ઓછી પ્રચલિત, પણ કર્ણપ્રિય કતિઓ તેમાં સમાવાઇ છે. કલાપીના જીવનને તેના દ્વંદ્વોને ખોલીને રાખી દેવાયા છે. વિશ્વ સાહિત્ય પ્રત્યેની તેમની રુચિ, પત્ની અને પ્રેમિકા બંનેને ચાહવાની કુદરત તરફથી મળેલી બક્ષિસ, બાળપણથી જ જીવદયાના ગુણોથી લઇને યુવાનીની વાતો, રાજયનો કારભાર અને પછી ભારે હૈયાની પીડા, પરમ તત્વની ઝાંખીની ઇચ્છા, તેમજ આજ સુધી જેનું રહસ્ય કુદરત સિવાય કોઇ જાણતું નથી તે તેમનું મૃત્યુ... આ બધી જ ઘટનાને અહીં નેરેશન અને ડાયલોગની રીતે આવરી લેવાઇ છે. તો ગ્રામમાતા જેવી પ્રસિદ્ધ કતિ વિવિધ છંદોમાં ગવાઇ છે. વિધાર્થીઓ તો ઠીક, શિક્ષકોને પણ હવે આવા પરફેકટ છંદ આવડતા નહીં હોય!



ગુજરાતી ભાષામાં પ્રકાશનોની હાલત આપણે જાણીએ છીએ અને સંગીતના કાર્યક્રમોમાં ગીતો કરતાં લાંબા વાળ અને લાંબા ઝભ્ભાવાળા સંચાલકો વધારે બોલે છે. પરંતુ જો આવા પ્રોડકશનો થાય અને લોકો સુધી પહોંચે, તો ઇંગ્લીશ મીડિયમમાંથી બાળકોને ભણતાં ઉઠાડયા વગર પણ માતૃભાષાને બચાવી શકાય.‘

No comments:

Post a Comment