Sunday, April 18, 2010

૩ વર્ષનો આ યુવાન પાછો રસ્તા પર આવી ગયો. જ્યોર્જે ભૂલમાંથી પાઠ ભણીને કાન પકડ્યા અને પાછી કમર કસી. ભવિષ્યમાં હોલીવુડના મોટા ગજાના સ્ટાર બનનારા જ્યોર્જે

૧૫વર્ષના એક અમેરિકન તરુણને બહુ મોટાં સપનાં જોવાની ટેવ. આ સપનાં એટલાં મોટાં હોય કે એનાં મા-બાપ અને દોસ્તોએ ગભરાઇને પૂછવું પડતું: બીજું બધું તો ઠીક, પણ તું આ સપનાં સાકાર કરીશ કઈ રીતે? પરંતુ છોકરાને કોણ શું કહી રહ્યું છે એનાથી ક્યાં કંઇ ફેર પડતો હતો?

એને ફિકર હતી તો માત્ર એટલી કે સમય જતાં આ સપનાં ઝાંખાં તો નહીં પડવા લાગે ને? એનાં આ ઊંચાં સપનાઓમાં-હોલીવુડની ચમકદમક, શ્રેષ્ઠ સુંદરીઓનો સંગ, નાઇટક્લબની મસ્તી, કેસિનોના દાવ, લક્ઝરી કાર, આલીશાન મહેલ, ફાઈવસ્ટાર હોટલોમાં જલસા અને છુટ્ટા હાથે બેહિસાબ ખર્ચ-જેવી એ તમામ રંગીન મજાઓ સામેલ હતી, જે પરસેવો રેડીને પેટ ભરતાં સાધારણ મઘ્યમવર્ગીય કુટુંબ માટે હંમેશાં એક સપનું જ રહે છે.



રેસમાં દોડતા ઘોડાની અમુક ખાસ ઊંચી ઓલાદ માટે મશહૂર કેન્ટુકી રાજ્યમાં દોમદોમ સાહ્યબીમાં આળોટવાનાં સપનાં જોનારા સેંકડો-હજારો છોકરા હતા, પરંતુ ક્લૂની પરિવારનું આ ફરજંદ એ બધામાં કંઇ અલગ જ હતો. નિક અને નીના ક્લૂનીના આ દીકરાનું નામ જ્યોર્જ હતું. ઐની મોટી બહેનનું નામ એડેલિયા.



લોકો આજે આ છોકરાની દુનિયાના સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોમાં ગણના કરે છે. જ્યોર્જનો જન્મ ૧૯૬૧ની છઠ્ઠી મેએ કેન્ટુકીના લેક્સિંગ્ટન શહેરમાં થયો હતો. પિતા નિક વ્યવસાયે ટીવી પત્રકાર હતા, જ્યારે નીના ઘર સંભાળતી હતી. ઘરે લાડમાં એડા તરીકે ઓળખાતી બહેન એડેલિયા સાધારણ છોકરી હતી.



નિક ક્લૂની પત્રકાર હોવાની સાથે જ એક સારા એન્કર, ગેમ શો અને ક્લાસિકલ ફિલ્મોના કાર્યક્રમના હોસ્ટ પણ હતા. વ્યવસાયે તેઓ ટીવીના નાના પડદા સાથે જોડાયેલા હતા, પરંતુ એમનું દિલ રાજકારણમાં રમતું હતું. એમની પણ ખ્વાહિશ હતી કે પોતે એક દિવસ કેન્ટુકીના રાજકારણમાં કોઇ મહત્વના હોદ્દે પહોંચે.



માતાપિતા જ્યોર્જ અને એડાને આયરિશ કેથલિક તરીકે ઊછેરી રહ્યાં હતાં. આ કુટુંબમાં આમ જોવા જાઓ તો કોઈ વિશેષતા નહોતી, માત્ર એક વાત ખાસ હતી: અમેરિકાની મશહૂર ગાયિકા રોઝમેરી ક્લૂની સાથે લોહીની સગાઇ.



રોઝમેરી જ્યોર્જનાં માસી હતાં અને એમણે અભિનેતા જોસ ફેરર સાથે લગ્ન કરેલાં. એમના બે દીકરા મિઝુએલ અને રાફેલ જ્યોર્જની ઉમ્મરના જ હતા. આગળ જતાં રોઝમેરી આન્ટી સાથેના આ સંબંધને કારણે જ્યોર્જને ક્લૂનીને ઘણી મદદ અને તિરસ્કાર બન્ને મળ્યાં.



પત્રકારનું કુટુંબ, સ્ટુડિયોની પાઠશાળા



નિક પોતાના એકમાત્ર દીકરા જ્યોર્જને પોતાના ભૂતકાળના પડછાયાથી દૂર રાખવા માગતા હતા, કારણ કે એમનું પોતાનું બાળપણ ખૂબ જ ખરાબ વીત્યું હતું. પત્રકાર અને એન્કર હોવાને કારણે નિક કોઇ એક જગાએ ટકીને રહી ન શક્યા. એમની વારંવાર બદલીઓ થતી અને ક્લૂની ફેમિલી અનેક શહેરોમાં ફર્યું.



જ્યોર્જે ભણવાની શરૂઆત ફોર્ટ મિશેલ શહેરની બ્લેસ્ડ સેક્રામેન્ટ સ્કૂલમાં કરી. એ પછી કુટુંબ ઓહાયો રાજ્યમાં રહેવા જતું રહ્યું. ત્યાંના કોલમ્બસ અને મેસન શહેરોમાં એમણે પોતાનું પ્રાઈમરી એજ્યુકેશન પૂરું કર્યું. સ્કૂલમાં જ્યોર્જની ગણના સરેરાશ બાળકોમાં થતી હતી. એ સામે ચાલીને કશું ન કરતા, એને જે-તે ચીજ કરવા માટે હંમેશાં કહેવું પડતું.



જોકે, જ્યોર્જ ઘરમાં પોતાના વિચારો મુક્ત રીતે વ્યક્ત કરી દેતા. મમ્મીપપ્પાને અને બહેનને લાગતું કે જ્યોર્જનું ભવિષ્ય ઉજ્જવળ છે. એમનો નાક-નકશો લગભગ મા પર ગયેલો, જોકે ચહેરામાં પિતાની આછી ઝલક પણ દેખાતી ખરી.



સંતાનોને કંઇ નવું બતાવવાના બહાને નિક એમને ઘણી વાર ટીવી સ્ટુડિયોમાં લઇ જતા અને પોતાના શોનો હિસ્સો પણ બનાવતા. પપ્પાના શોમાં ભાગ લેવા જ્યોર્જ સ્કૂલમાં બહાનાંબાજી કરીને ગેરહાજર સુઘ્ધાં રહેતા. સ્ટુડિયોમાં જવાનું મળે એ દિવસે જ્યોર્જને મજા આવી જતી, પણ એડાને આ બધું બહુ ગમતું નહોતું.



ધીરે ધીરે જ્યોર્જ સેન્ટ પેટ્રિક ડે, ઇસ્ટર, ક્રિસમસ જેવા ખ્રિસ્તી તહેવારો માટે બનતા કાર્યક્રમોમાં નાની-મોટી ભૂમિકા કરવા લાગ્યો. અભિનયની સૂક્ષ્મતા શીખવાની શરૂઆત થઇ ગઇ. પિતા એમાં ઘણા મદદગાર બન્યા. જ્યોર્જ જેમ જેમ મોટો થઇ રહ્યો હતો તેમ તેમ એના પર પિતાનો રંગ ચડતો જતો હતો.



નિકની ચિંતા પણ ઓછી થઇ રહી હતી, કેમકે એમને લાગવા માંડ્યું હતું કે આગળ જતાં જ્યોર્જ પોતાનાથી ઘણો મોટો શોમેન થશે. એ વાત જુદી છે કે આગળ જતાં નિર્ણય લેવાનો સમય આવ્યો ત્યારે જ્યોર્જે પિતાના રસ્તે ચાલવાનો સાફ ઇનકાર કરી દીધા!



લકવાનો હુમલો



આ ૧૯૭૬ની વાત છે. જ્યોર્જ બરાબર ૧૫ વર્ષનો થઇ ચૂક્યો હતો. એના શોખ અજીબો-ગરીબ થતા જતા હતા. સૌથી ફેવરિટ હોબી હતી નવી નવી ફિલ્મો જોવી અને બેઝબોલ રમવું. તે વખતે એની મહત્વાકાંક્ષા પોતાની માનીતી ક્લબ સિનસિનાટી રેડ માટે પ્રોફેશનલ ખેલાડી તરીકે રમવાની હતી, જેથી ભરપૂર નામ અને દામ મળી શકે.



બે વર્ષ સુધી એના મન પર બેઝબોલનું તીવ્ર આકર્ષણ છવાયેલું રહ્યું. બેઝબોલનું ભૂત ઊતર્યું ખરું, પણ એક ભયાનક દુઘટર્ના પછી. આ બનાવે જ્યોર્જની સાથે ઐના કુટુંબને પણ હચમચાવી નાખ્યું. એક દિવસ જ્યોર્જે કુટુંબ સાથે ચર્ચમાં પ્રાર્થના કરવા ગયેલો ત્યારે ચહેરાના ડાબા ભાગમાં અજબ સણસણાટી અનુભવેલી.



એણે ત્યારે એની પર ઘ્યાન ન આપ્યું. ત્યાંથી પાછા આવીને કુટુંબ સાથે બપોરનું ભોજન લેતો હતો ત્યારે પાછું એવું થયું, પરંતુ આ વખતે એનું ઘ્યાન ખાવામાં વધારે હતું. જમવાનું પૂરું કરીને જ્યોર્જ દૂધ પીવા ઊઠ્યો. દૂધ પીતી વખતે એના ઘ્યાનમાં આવ્યું કે દૂધ હોઠની ડાબી તરફથી બહાર નીકળતું હડપચીને ભીંજવતું કપડાં પર પડી રહ્યું છે.



એણે અનુભવ્યું કે ચહેરાના આ ભાગમાં કોઇ સંવેદન જ નથી થતું. એકંદરે અડધો ચહેરો એવી રીતે નિર્જીવ થઇ ગયો હતો કે કંઇ ખબર જ નહોતી પડતી. મમ્મીપપ્પા એકદમ જ ગભરાઇ ગયાં. તરત જ જ્યોર્જને ડોક્ટર પાસે લઇ જવામાં આવ્યો.



ડોક્ટરે આઘાતજનક સમાચાર આપ્યા:



જ્યોર્જના ચહેરા પર ‘બેલ પાલ્સી’ નામની બીમારી લાગુ પડી છે, જે એક પ્રકારનો લકવો છે. એના મગજના એક નાનકડા હિસ્સાએ કામ કરવાનું બંધ કરી દીધું છે. ડાબી આંખ લગભગ બંધ થઇ ગઇ હતી. એનાથી સરખી રીતે ખાઇ-પી શકાતું નહોતું.



આખા પરિવાર માટે આ બહુ જ ભયંકર આઘાત હતો. બધાં બેબાકળાં થઇ ગયાં હતાં. સૌ ઇશ્વરને એ જ સવાલ પૂછતાં હતાં: એવું તે અમે કયું પાપ કરી નાખ્યું કે તેં આટલી મોટી સજા ફટકારી દીધી? ડોક્ટરોનું કહેવું હતું કે એને સારા થવામાં ઓછામાં ઓછું એક વર્ષ લાગશે.



વધુમાં વધુ કેટલાં વર્ષ લાગી શકે તેનો કોઈ અંદાજ લગાવી શકાય તેમ નથી. સાજા થયા પછી પણ જ્યોર્જ પહેલા જેવો દેખાશે કે કેમ તે પણ કહી શકાય તેમ નથી.



ખાઓ, પીઓ ને આનંદ કરો



માંદગીને કારણે જ્યોર્જનાં ભણતરને ભારે નુકસાન થયું. ડોક્ટરે તો જોકે થોડાંક અઠવાડિયાંમાં જ સ્કૂલે જવાની રજા આપી દીધી, પરંતુ સ્કૂલમાં એટલા ખરાબ અનુભવો થયા કે તેની કડવી સ્મૃતિઓ કાયમ માટે દિલોદિમાગમાં ઘર કરી ગઈ. સ્કૂલમાં દોસ્તો દૂર થતા ગયા અને જે કોઈ પાસે આવતા એનો આશય માત્ર હેરાન કરવાનો રહેતો.



કેટલાક તોફાની બારકસોએ તો એનું નામ ‘એક આંખવાળો રાક્ષસ’ પાડી દીધું હતું. જ્યોર્જ ક્લૂની આ દિવસોને યાદ કરતાં કહે છે, ‘એ મારી જિંદગીનો સૌથી વધુ ખરાબ સમય હતો. તમે માનશો નહીં કે મારા સ્કૂલના સાથીઓ કેટલા નિર્દય હતા! એક દિવસ પણ એવો નહોતો જતો જ્યારે એમણે પજવ્યો નહીં હોય.



એ લોકો મને એટલો હેરાન કરતા કે સ્કૂલમાંથી ભાગી છૂટવાના વિચાર આવતા... પરંતુ એ વિપરીત સંજોગોએ મારી અંદર તીવ્ર ગુસ્સાની સાથે સાથે કંઇ કરી બતાવવાનો આત્મવિશ્વાસ ભરી દીધો. છેવટે લગભગ એકાદ વર્ષે હું આ બીમારીથી મુક્ત થયો ત્યારે પહેલા કરતાં વધુ તેજસ્વી બન્યો હતો.’



આ અકસ્માત પછી ક્લૂની ફેમિલી કેન્ટુકીના ઓગસ્ટા શહેરમાં રહેવા ગયું. ત્યાંની ઓગસ્ટા હાઇસ્કૂલમાં એણે પોતાનો બાકીનો અભ્યાસ ઠીકઠાક માર્ક્સ સાથે પૂરો કર્યો. હજી પણ એના માથા પરથી બેઝબોલનું ઝનૂન નહોતું ઊતર્યું. સિનસિનાટી રેડક્લબમાં જોડાવા એણે ૧૯૭૭માં ઘણા ઉધામા કર્યા, પણ સફળતા ન મળી.



જ્યોર્જ મેદાન પર પહેલો રાઉન્ડ પણ પાર ન કરી શક્યો. નિરાશ થઇને એણે પાછું અભ્યાસમાં મન પરોવ્યું. ૧૯૭૯માં જ્યોર્જ નોર્ધન કેન્ટુકી યુનિવર્સિટીમાં આગળના અભ્યાસ માટે દાખલ થયો અને લગભગ બે વર્ષ અભ્યાસ કર્યા પછી ત્યાંથી ભાગી છૂટ્યો. પિતાના દબાણને વશ થઇ એણે થોડો સમય સિનસિનાટી યુનિવર્સિટીમાં એડમિશન તો લીધું, પણ ત્યાંનું વાતાવરણ એને જરાય ન જચ્યું.



જ્યોર્જ ક્લૂની કહે છે, ‘મને ભણવાનું બિલકુલ ગમતું નહોતું. હું ખૂબ દારૂ પીવા લાગેલો અને પાર્ટીઓમાં બેફામ મજા કરતો. પહેલા મને લાગેલું કે કાયદાનો અભ્યાસ કરીને હું કરીઅર બનાવી શકીશ, પણ પછી કંઇ કરી ન શક્યો.’ આમ ૧૯૮૧માં જ્યોર્જ ક્લૂની ૨૦ વર્ષનો એવો યુવાન હતો કે જેની પાસે ન કોઇ ડિગ્રી હતી, ન કોઇ ખાસ પ્રોફેશનલ આવડત હતી કે નહોતું કોઇ મદદગાર.



એને આગળની જિંદગી, કારકિર્દી, કુટુંબ જેવી ચિંતાઓનો કોઇ ડર નહોતો. એને તો બસ આજમાં જીવવું હતું અને ભરપૂર મજા લૂંટવી એ જ એની આદત બની ચૂકી હતી.



મળ્યો પિતાનો આખરી પાઠ



આ દરમિયાન જ જ્યોર્જને માસિયાઈ ભાઈ મિગુએલ ફેરર તરફથી કહેણ મળ્યું. એ દિવસોમાં મિગુએલ ઊભરતો સિતારો હતો અને શૂટિંગ માટે કેન્ટુકી આવ્યો હતો. જ્યોર્જના રંગીલા સ્વભાવની એને જાણ હતી. એણે જ્યોર્જને કહ્યું: તું મારી પાસે આવી જા, આપણે સાથે મજા કરીશું!



એમની જલસાપાર્ટીનો સિલસિલો લગભગ ત્રણ મહિના ચાલ્યો. જ્યોર્જે કઝિનના સંગાથમાં પુષ્કળ મજા તો કરી જ, સાથેસાથે એની ફિલ્મમાં નાનકડી ભૂમિકા પણ કરી. આ પ્રોસેસમાં જ્યોર્જે ફિલ્મના મેકિંગ અને અભિનયને મૂળમાંથી, ખૂબ નજીકથી જોયાં. અત્યાર સુધી એને લાગતું હતું કે ફિલ્મ તો એકદમ સહેલાઇથી બની જતી હશે, પણ આ ત્રણ મહિનાના અનુભવે એની દષ્ટિ બદલી નાખી.



જ્યોર્જના જીવનનો આ એક નિણાર્યક વળાંક હતો. ઐક દિશાહીન યુવકમાંથી જ્યોર્જ ક્લૂનીનું રૂપાંતર એક સ્ટ્રગલિંગ એક્ટરના રૂપમાં થવા માંડ્યું.



એકદમ જ જ્યોર્જને લાગવા માડ્યું કે મારે હવે ફક્ત અને ફક્ત એક્ટર જ બનવું છે અને ફિલ્મોમાં કામ કરવું છે. એનું દિલ માસિયાઈ ભાઇની સફળતાથી ખુશ હતું, પણ દિમાગ કહી રહ્યું હતું: ‘જ્યોર્જ તું પણ એ સ્થાને પહોંચી શકે છે... તારામાં વળી શી કમી છે?’



ઉત્સાહિત જ્યોર્જે પોતાની આકાંક્ષા પિતાને કહી, પરંતુ જ્યોર્જ ડિગ્રી લીધા વગર કોલેજ છોડે એ વાતથી ગુસ્સે ભરાયેલા નિકે સાફ શબ્દોમાં કહી દીધું: ‘તું હોલીવુડનાં નહીં, કોલેજનાં ને હોસ્ટેલનાં સપનાં જો... ભણવાનું પૂરું નહીં કરે તો આખી જિંદગી પસ્તાવાનો વારો આવશે...’



મામલો ગુંચવાયો. દીકરો કહેતો હતો કે મેં જિંદગીમાં પહેલી વાર કશુંક કરવાનો ગંભીરતાથી વિચાર કર્યો છે... તો પિતા કહેતા હતા કે તારે માટે આ મારો આખરી પાઠ છે.



ટિકિટ ટુ હોલીવુડ



આ કશ્મકશમાં છેવટે પિતાએ એક શરત સાથે હથિયાર હેઠાં મૂક્યાં કે જ્યોર્જ, જો તારે મનમાની જ કરવી હોય તો એ તારી તાકાત પર કરવી પડશે, મારા તરફથી તને એક પાઇ પણ નહીં મળે.



પડકાર મોટો હતો, પણ જ્યોર્જે એ સ્વીકારી લીધો. ૧૯૮૦ના દાયકામાં ખાલી ખીસે હોલિવુડની સફર કરવી એ રણમાં પાણી અને ઊંટ વગર ભટકવા જેવું હતું. પડકારો સંજોગો ઘડે છે અને સંજોગો મહેનતને સાથી બનાવે છે ત્યારે સફળતા ખેંચાઇ જ આવે છે. પોતાનો ખર્ચ કાઢવા અને હોલીવુડની ટિકિટ કઢાવવા જ્યોર્જે કેટલીય મામૂલી અને કઠોર નોકરીઓ કરી.



એણે લેડીઝ બૂટ-ચપ્પલ પણ વેચ્યાં અને કારખાનામાં તમાકુનું પ્રોસેસિંગ પણ કર્યું. છેવટે ઘણી ઘણી મહેનત પછી જે દિવસે જ્યોર્જના ખીસામાં ૩૦૦ ડોલર જમા થઇ ગયા એ જ દિવસે એણે હોલીવુડ એટલે કે લોસ એન્જલસની ટિકિટ કઢાવી લીધી. જોકે અહીં એને રોઝમેરી આન્ટીની મદદ મળવાની હતી.



જ્યોર્જનું પહેલું રહેઠાણ આન્ટીનું ઘર જ બન્યું. જોકે અભિનેતા પુત્ર મિગુએલ પાસેથી આન્ટી જ્યોર્જનાં કેટલાંય કારનામાં જાણી ચૂક્યાં હતાં. એમણે એક શરત મૂકી કે જ્યોર્જે ઘરનાં બધાં નાનાં-મોટાં કામો ઇમાનદારીથી કરવાં પડશે. એમ નહીં કરે તો એ ઘરની બહાર!



શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું, પણ થોડાં અઠવાડિયાંમાં જ જ્યોર્જ પોતાનો રંગ બતાવવા લાગ્યો. કામ કરવામાં તે બેદરકારી અને દોંગાઇ કરવા લાગ્યો. એક દિવસ આન્ટીએ એને ઘરની ફરસ પર પોતાં મારવાનું કામ સોંપ્યું. જ્યોર્જ એ કર્યું તો ખરું, પણ એટલી જ ફ્રેમ્સ પર, જેટલી આન્ટીની રૂમમાંથી દેખાતી હતી! આન્ટીને ખબર પડી ગઇ અને એ તો ઊકળી ઊઠ્યાં. છેવટે એમણે જ્યોર્જને ઘરની બહાર કાઢી મૂક્યો.



પાછી પરીક્ષા, પણ અડગ આશ



૨૩ વર્ષનો આ યુવાન પાછો રસ્તા પર આવી ગયો. જ્યોર્જે ભૂલમાંથી પાઠ ભણીને કાન પકડ્યા અને પાછી કમર કસી. ભવિષ્યમાં હોલીવુડના મોટા ગજાના સ્ટાર બનનારા જ્યોર્જે એક દોસ્તના એટલા નાના ઓરડામાં આશ્રય લીધો કે જેમાં બે જણ સાથે માંડમાંડ સૂઇ શકતા હતા.



જ્યોર્જ એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો ચક્કર કાપતા કોઇ નાનકડી પણ ભૂમિકા મળી જાય એ માટે દિગ્દર્શકોને વિનવણીઓ કરતા. કોઈએ ફિલ્મોમાં કામ ન આપ્યું તો નાના પડદા ભણી નજર નાખી. બીજી-ત્રીજી કક્ષાના ટીવી કાર્યક્રમોમાં એને નાની-નાની ભૂમિકા મળવા માંડી, પણ આ બધા રોલ્સ બેકાર અને ખરાબ હતા.



અધૂરામાં પૂરું, આ કામના પૂરા પૈસા પણ નહોતા મળતા. દોઢ વર્ષના બહુ આકરા સંઘર્ષ પછી એમને પહેલો મોટો બ્રેક ‘ફેક્ટ્સ ઓફ લાઇફ’માં મળ્યો, પણ દુર્ભાગ્યે એ શો પૂરો થવામાં હતો. આમછતાં બીજાઓને કંઇક કહેવા-બતાવવા જેવું જ્યોર્જને મળી ગયું હતું.



એ પછી જ્યોર્જને ‘ધ ગોલ્ડન ગર્લ’, ‘બુકર ઓન રોઝેની’, ‘ફોકનર ઓન સિસ્ટર્સ’, ‘બેબી ટોક’ જેવા શોઝમાં કામ મળ્યું. જ્યોર્જને કામ ન મળવાનું એક કારણ એમનો હેન્ડસમ દેખાવ પણ હતો, કેમકે દિગ્દર્શક નાની ભૂમિકામાં કોઇ એવા અનાડી કળાકારને પસંદ નહોતા કરતા, જે મેઈન હીરોને ટક્કર આપે.



સાથે કામ કરતી અભિનેત્રીઓ એમનાથી ગભરાતી! દરમિયાન પોતાની નવી ઓળખાણો થકી જ્યોર્જને ફિલ્મોમાં પણ નાની ભૂમિકા મળવા માંડી. નાના પડદે મોટી સફળતા મેળવવા પહેલાં જ્યોર્જ ‘ધ રિટર્ન ઓફ ધ કીલર ટમાટોઝ’, ‘રિટર્ન ટુ હોરર હાઇ’, અને ‘રેડ સર્ફ’ જેવી નાના બજેટની હોરર ફિલ્મોમાં ટચૂકડી ભૂમિકાઓ કરી. આ એવાં પાત્રો હતાં કે જે ફિલ્મ પૂરી થતાંની સાથે જ દર્શકના મગજમાંથી ભૂંસાઈ જાય!



નાના પડદે મોટી સફળતા



૧૯૮૮થી ૧૯૯૪ના છ વર્ષના આકરા સંઘર્ષ પછી જ્યોર્જને પહેલી મોટી સફળતા સ્મોલ સ્ક્રીન પર જ મળી, જેણે એમના પિતાને પ્રસિદ્ધિ અપાવી હતી. એનબીસી ટીવી માટે બનેલી ડ્રામા સિરિયલ ‘ઇઆર’માં જ્યોર્જને ડો. ડગ રોઝની મુખ્ય ભૂમિકા મળી. ‘ઇઆર’માં ડો. રોઝના રોજિંદાં જીવનની ઘટનાઓની રજૂઆત હતી. લગભગ છ વર્ષ ચાલેલી આ સિરિયલમાં જ્યોર્જના કામના ખૂબ વખાણ થયા.



લોકપ્રિયતાનું એક પછી એક પગથિયું ચડીને આ શો ઘરઘરની પસંદ બની ગયો. એનાં પાત્રો દર્શકોને સ્વજનો જેવાં લાગતાં. સૌથી વધુ નિકટતા તેઓ ડો. રોઝ એટલે કે જ્યોર્જ ક્લૂનીના પાત્ર સાથે અનુભવતા. આ સિરિયલ વડે જ્યોર્જે હોલીવુડમાં ‘ડ્રોઇંગ રૂમ એન્ટ્રી’ લીધી હતી.



હવે એમની સામે ઘણી ઓફરો હતી. એમાં કેટલીક ફિલ્મોની પણ હતી. ૧૯૯૬માં હોલીવુડમાં એમને પહેલી મોટી ફિલ્મ ‘ફ્રોમ ડસ્ક ટિલ ડોન’ મળી, જેના દિગ્દર્શક હતા રોબર્ટ રોડ્રિગુએઝ. આ હોરર-એકશન ફિલ્મમાં જ્યોર્જની ભૂમિકા એક બેન્ક લૂંટારાની હતી. એ જ વર્ષે એમણે માઇકલ હોફમેનની ‘વન ફાઇન ડે’માં મેઈન રોલ કર્યો.



આ એક રોમાન્ટિક કોમેડી હતી. એમાં જ્યોર્જે સંતાનોને એકલે હાથે ઊછેરી રહેલા પિતાની ભૂમિકા અદા કરેલી.



સુપર હીરોપદ



‘વન ફાઇન ડે’ની ખાસ્સી પ્રશંસા થઇ અને ક્લૂનીની છાપ પરિપકવ કળાકાર તરીકે જામવા માંડી. હવે મોટાં બેનરો પણ એમને પસંદ કરવા લાગ્યાં હતાં. આ દરમિયાન જ એમને ડ્રીમ વર્ક્સની મોટા બજેટવાળી ફિલ્મ ‘ધ પીસમેકર’માં મોકો મળ્યો. એમાં એમની જોડી નિકોલ કિડમેન સાથે હતી.



આગળ જતાં બન્નો ગાઢ દોસ્તો બન્યાં. આ ફિલ્મે દુનિયાભરમાં શાનદાર કમાણી કરી. એ પછી તરત જ ક્લૂની ‘બેટમેન એન્ડ રોબિન’માં સુપર હીરો બેટમેનના રૂપમાં દેખાયા. ૧૯૯૫માં બનેલી ‘બેટમેન ફોરએવર’ની સિક્વલ ગણાવાયેલી જોએલ શૂમેકરની આ ફિલ્મને ન બોક્સ ઓફિસ પર વધુ સફળતા મળી કે ન સમીક્ષકોએ ઝાઝા વખાણ કર્યા. આગળ જતાં ક્લૂનીએ પોતે આ ફિલ્મને ‘વેસ્ટ ઓફ મની’ ગણાવી.



૧૯૯૮માં જ્યોર્જ ‘આઉટ ઓફ સાઇટ’માં જેનિફર લોપેઝ સાથે દેખાયા. પ્રસિદ્ધ દિગ્દર્શક સ્ટીવન સોડરબર્ગની આ એકશન-થ્રિલર ફિલ્મમાં ક્લૂનીએ પાછી બેન્ક લૂંટેરેની ભૂમિકા ભજવેલી. ફિલ્મ ખાસ સફળ ન થઇ પણ સમીક્ષકોએ ખૂબ વખાણ કર્યા. આ ફિલ્મને પટકથા અને એડિટિંગ એ બે શ્રેણીમાં ઓસ્કર નોમિનેશન મળ્યાં.



આ ફિલ્મના અનુભવ વિષે ક્લૂનીએ પછી કહેલું, ‘આઉટ ઓફ સાઇટ’ની પટકથા વાંચીને હું ઊછળી પડેલો. મારે આવું જ કંઇક જોઈતું હતું. પણ ઘણી કોશિશ કરવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઇ ગઇ. એ પછી મેં ખૂબ મંથન કર્યું તો જણાયું કે વાસ્તવમાં આ ફિલ્મની પટકથા માટે મને પક્ષપાત હતો અને તેથી જ હું ફિલ્મ પાસેથી વધારે અપેક્ષા રાખવા લાગ્યો હતો.



મારે એની ભારે કિંમત ચૂકવવી પડી, પણ એક મહત્વનો પાઠ હું શીખ્યો કે મને જે કંઇ ગમે એને માટે ઓડિયન્સ પોતાની પસંદ બાજુ પર મૂકી ખીસામાંથી ફદિયાં કાઢે એ કંઈ જરૂરી નથી.’



ધ પરફેક્ટ સ્ટોર: જ્યોર્જ ક્લૂની



૨૦મી સદીની છેલ્લી ફિલ્મ તરીકે એમણે લેખક-દિગ્દર્શક ડેવિડ રસલની ‘થ્રી કિંગ્સ’માં મુખ્ય ભૂમિકા ભજવી. ‘ઇઆર’નો કોન્ટ્રેક્ટ ૧૯૯૯માં પૂરો થતાં જ ‘ઇઆર’માં ફરીથી કામ કરવાનું દબાણ આવ્યું, પરંતુ હવે એમને મોટો પડદો બરાબર સદી ગયો હતો. એમણે ‘ઇઆર’ની દુનિયામાં પાછા ન ફરવાનો નિર્ણય કર્યો.



જોકે, એમના આ નિર્ણયથી એમના ચાહકોને ભારે નિરાશા થઇ, પરંતુ પાકા પ્રોફેશનલ બની ચૂકેલા ક્લૂનીએ કોઇ જોખમ ન જ ઉઠાવ્યું. ‘ઇઆર’માંથી વિદાય લઇને ‘ધ પરફેક્ટ સ્ટોર’ અને ‘ઓ બ્રધર, વ્હેર આર્ટ ધાઉ’ જેવી સફળ ફિલ્મો સાથે નવી સદીનું સ્વાગત કર્યું. બરાબર એક વર્ષ પછી એમણે ફરીથી દિગ્દર્શક સ્ટીવન સોડરબર્ગ સાથે ‘ઓશન્સ ઇલેવન’માં કામ શરૂ કર્યું.



૧૯૬૦માં બનેલી ‘રેટ પેક’ની આ રીમેક હતી. લાસ વેગાસના ત્રણ મોટા કેસિનોની તિજોરી લૂંટવાની કથા પરની આ ફિલ્મમાં બ્રેડ પિટ, જુલિયા રોબર્ટ્સ, મેટ ડેમન, એન્ડી ગાર્શિયા જેવા મોટા સિતારા હતા. ફિલ્મ ખૂબ જ સફળ થઇ અને કુલ ૪૫ કરોડ ડોલરની કમાણી સાથે એ ક્લૂનીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની.



‘ઓશન્સ ઇલેવન’ના શૂટિંગ અંગે ક્લૂની કહે છે, ‘આને હું કારકિર્દીનું સૌથી વધુ આસાન શૂટિંગ માનું છું. ફિલ્મ બનતી હતી ત્યારે મને તો લાગતું હતું કે જાણે હું લાસ વેગાસમાં જલસા કરી રહ્યો છું. ૨૦૦૪માં ‘ઓશન્સ ટ્વેલ્વ’ અને ૨૦૦૭માં ‘ઓશન્સ થર્ટિન’ એ સિક્વલ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ક્લૂનીએ જ ભજવી.



ઓસ્કર પુરસ્કારથી નવી છલાંગ



ક્લૂનીએ ‘ઇઆર’માં અભિનય દરમિયાન જ પોતાનાં કદમ દિગ્દર્શન અને નિર્માણ તરફ માંડી દીધાં હતાં. એક અન્ય નિર્માતા સાથે મિરાડોર એન્ટરટેઇનમેન્ટ નામની નિર્માણ કંપનીમાં ભાગીદારી પણ લીધી. ૨૦૦૧માં ક્લૂનીએ સોડરબર્ગ સાથે મળીને ‘સેક્શન એઇટ’ નામના પ્રોડક્શન સ્ટુડિયોની સ્થાપના કરી.
૨૦૦૨માં ડિરેક્ટર તરીકેની પોતાની પ્રતિભાને પ્રગટ કરતાં એમણે ‘કન્ફેશન ઓફ એ ડેન્જરસ માઇન્ડ’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું. ટીવી પ્રોડ્યુસર ચક બેરિસની આત્મકથા પર આધારિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર તો ખાસ ન ચાલી, પણ સમીક્ષકોની વાહવાહ જરૂર મળી.



નિર્માણ-દિગ્દર્શન સાથે પરિપકવ થતાં જતાં ક્લૂનીએ અભિનય ચાલુ રાખ્યો. ૨૦૦૫માં સ્ટીફન ગેધનના દિગ્દર્શનમાં નવી ફિલ્મ ‘સીરિયાના’ રજૂ થઇ. એના એકિઝક્યુટિવ પ્રોડ્યુસર અને મુખ્ય અભિનેતા, બન્ને ક્લૂની હતા. આ ફિલ્મ રોબર્ટ બેઅરની નવલકથા ‘સી નો ઇવિલ’ પર આધારિત હતી.



અમેરિકી ગુપ્તચર સેવા સીઆઇએના એજન્ટ બોબ બર્નેસની ભૂમિકા એમણે એટલી તો અસરકારક રીતે ભજવેલી કે ૨૦૦૬નો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર એમને મળ્યો. આ એમનો પહેલો ઓસ્કર હતો. આ ફિલ્મે દુનિયાભરમાંથી લગભગ ૨૫૦ કરોડ ડોલરની કમાણી કરી.



ક્લૂનીએ ૨૦૦૫માં જ ‘ગુડ નાઇટ એન્ડ ગુડ લક’ ફિલ્મનાં નિર્માણ, દિગ્દર્શન અને મુખ્ય ભૂમિકા સંભાળ્યાં. એ ફિલ્મના ખૂબ વખાણ થયા. ૨૦૦૬માં શ્રેષ્ઠ દિગ્દર્શન અને શ્રેષ્ઠ મૌલિક પટકથાના ઓસ્કર નોમિનેશન મળ્યાં. એ સાથે જ જ્યોર્જ ક્લૂની એક જ વર્ષમાં બે અલગ અલગ ફિલ્મો માટે નોમિનેશન મેળવનારા પહેલા કળાકાર બની ગયા.



એક પાઠ અભિનયનો, એક સંબંધ નિભાવવાનો ૧૯૯૬થી ૨૦૦૬ સુધીમાં ૧૦ બહેતરીન ફિલ્મોમાં પોતાના કામ અંગે ક્લૂની કહે છે, ‘મારાં આન્ટી અને પિતા તરફથી મળેલો એક બહેતરીન પાઠ હું હંમેશાં યાદ રાખું છું. તેઓ બન્ને કહેતાં હતાં કે કોઇપણ ભૂમિકા ભજવવા માટે ૭૦ વર્ષ સુધી પ્રતીક્ષા કરવી પડે એ જરૂરી નથી.



બસ, એને કરી જ નાખો, ભલેને તમારી અંદર નિષ્ફળ થવાનો ડર હોય. કોઇ પણ બહાને કમ સે કમ મેદાનમાં તો ઊતરો! બસ, એમની આ શિખામણ વર્ષોથી મારા મગજમાં ગૂંજતી રહે છે.’ આયુષ્યનાં ૪૮ વર્ષ પૂરાં કરી ચૂકેલા ક્લૂની આજે પણ ખૂબ સક્રિય છે. તેમણે એક બાળફિલ્મ ‘ધ ફેન્ટાસ્ટિક મિસ્ટર ફોકસ’ના મુખ્ય પાત્રની ભૂમિકા પોતાના અવાજની તાકાત પર ભજવી છે.



આ સાહસિક શિયાળની એનિમેશન ફિલ્મ છે. એમની એક નવી ફિલ્મ ‘ધ મેન હુ સ્ટેર એટ ગોટ્સ’ ગ્રાન્ટ હેસ્લોવના દિગ્દર્શનવાળી કોમેડી ફિલ્મ છે. નાના પડદે છવાયા બાદ ક્લૂની મહિલાઓમાં બહુ લોકપ્રિય બની ગયેલા. કેટલીય અભિનેત્રીઓ સાથે ડેટિંગના સમાચારો લગભગ રોજ ટેબ્લોઇડ અખબારોમાં ચમકતા રહેતા.



એમાં ઘણી સચ્ચાઇ પણ હતી, કેમકે મહિલાઓ માટે ક્લૂનીનો દ્રષ્ટિકોણ હંમેશાં એકસરખો રહ્યો છે. ૧૯૮૯માં એમણે પોતાનાથી બે વર્ષ મોટી ટીવી અભિનેત્રી ટેલિયા બોસમ સાથે લગ્ન કરેલાં. આ જોડું ચારેક વર્ષ સાથે રહ્યું અને ૧૯૯૪માં અલગ થઇ ગયું. એ પછી એમણે ડઝનબંધ મહિલાઓ સાથે સંબંધ રાખ્યા, પણ બીજી વાર લગ્ન ન કર્યા.



ઘણી વાર એમને પુછાય છે કે તમારામાં એવી તે શી વાત છે, જે એક સાધારણ વ્યક્તિને સ્ટાઇલિશ તેમ જ પોપ્યુલર બનાવી મૂકે છે? ક્લૂની જવાબ આપે છે, ‘હું કહીશ કે આ ગુણ ‘સેન્સ ઓફ હ્યુમર’ છે.



આ ખાસિયતને તમે ૨૧ વર્ષની વયે તમારી અંદર ભાગ્યે જ શોધી શકો. મને લાગે છે કે એની જરૂર આપણને જિંદગીના આગળના મુકામો પર હોય છે, જ્યાં હસવું ખરેખર જ જરૂરી બની જતું હોય છે.’



એક શાંતિદૂતની પીડા



ક્લૂનીને દુનિયાભરમાં એક હ્યુમન રાઈટ્સ એમ્બેસેડર તરીકે પ્રશંસા મળી છે. આફ્રિકી દેશ સુદાનના પશ્વિમી હિસ્સા દાર્ફૂરમાં છેલ્લા કેટલાય દાયકાઓથી ચાલતી હિંસા અને માનવ અધિકારોના થતાં હનનનો મામલો દુનિયાની નજર સામે લાવવામાં ક્લૂનીએ ઘણાં શક્તિ-સમય ખર્ચ્યા છે. એ જ કારણે યુનોએ એમને પોતાના શાંતિદૂત તરીકે પણ નિયુક્ત કર્યા છે.



ક્લૂની સાફ શબ્દોમાં કહે છે. ‘મારા જેવી સેલિબ્રિટીને દુનિયા કોઇ ક્રેડિટ કાર્ડ માનતી હોય, તો હું પણ મારી જાતને એ કાર્ડની જેમ વટાવી રહ્યો છું. હું સ્ટ્રેટેજી નથી ઘડતો, પણ સારી કે ખરાબ નીતિઓ પર થોડો પ્રકાશ તો પાડી શકું છું. મારી એક ફિલ્મ તો કરોડો લોકો સુધી પહોંચી જાય છે, પણ મને દુ:ખ છે કે સુદાનના દાફૂર્ર માટેનો મારો અવાજ બહુ ઓછા લોકો સાંભળે છે.



મારા ડેટિંગની અટકળો પર તમારી શક્તિ અને દિમાગ ખર્ચવાને બદલે પેલા લોકોને બચાવવામાં મને સાથ આપો.’



george clooney
george clooney

No comments:

Post a Comment