Sunday, April 18, 2010

જે ગયું એતો ગયું...

જે ગયું એ તો ગયું, જે છે તું એનું ધ્યાન કર.
નીકળે છે જે વચન કડવા,એ સૌ ને મ્યાન કર

આ બધું તારૂં છે એવું શાને તુજને લાગતું,
માટીનો તું માટી થાશે,માટીમાં તુજ ધામ કર

આંબતા તું આંબતો આ આભને અવકાશ પણ,
બસ વસે તુજ દિલમાં ઈશ્વર એવું કોઈ કામ કર.

રાત'દિ પાગલ થતો તું લક્ષ્મી કેરા મોહમાં!
કોકદી' એકાદ કો અબળાને થોડું દાન કર.

સૌ શહિદો ઝુલ્યાં ફાંસી, એથી તું આઝાદ છે.
એક એવા વીર પર તું સો જનમ કુરબાન કર.

તું છે કોનો કોણ તારું એટલું બસ જાણી લે.
થાય તું તારો જો જ્યારે, ત્યારે તારૂં નામ કર.

એક પત્થર તોડશે સૌ ખ્વાબ જે જ્યાં હતા
માટલી કાચી રે તારી,શાને તું અભિમાન કર.

ક્રોધને મદ-મોહમાં,જીવી રહ્યો તું જિંદગી,
ભીતરે હેવાન છે એને તું બસ ઈંસાન કર.

ગત જનમનાં પૂણ્યથી તો આ જનમ ચેતન મળ્યો!
પૂણ્ય ભાથું ભર ફરીથી, આ જનમનું માન કર.

હંમેશ મુજબ આપના કિંમતી અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

No comments:

Post a Comment