Sunday, April 18, 2010

મરણ જેવું જીવન જેવું..

તમારી યાદમાં મુજને જીવન ભાસ્યું જીવન જેવું,
વૃથા ઉત્પાત પરવારી અમન પામ્યો અમન જેવું.

મળી નજરોથી નજરો ત્યાં જ દુનિયા દિલની પલટી ગઈ.
ભરેલું છે તમારી આંખમાં શું સંવનન જેવું.

યદિ મારી નજર સામે તમે છો તો બધુંયે છે,
તમારી વિણ મને આ વિશ્વ લાગે છે વિજન જેવું.

ફકત એક દિલ હતું તે પણ તમારું થઈ ગયું ચાહક,
રહ્યું ના કોઈપણ મારું હવે વિશ્વે સ્વજન જેવું.

વિતાવી આગમન-આશા મહીં હવે રાતોની રાતો મેં,
છતાં દર્શન તો દર્શન, પણ ન દીઠું કૈ સ્વપ્ન જેવું.

તમોને દિલ તો શું,અસ્તિત્વ પણ અર્પણ કરી દીધું,
હવે મુજ પાસ ક્યાં છે કંઈ મરણ જેવું, જીવન જેવું.

તમારે દ્વાર આવીને અહર્નિશ એ જ યાચું છું,
પ્રણય -ગુણગાન ગાવાને કવન આપો કવન જેવું.

છુપાયેલી મજા છે ઓ ”ખલીલ’! એની વ્યથા માંહે,
નથી હોતું પ્રણયમાં કંઈ દરદ, દુખ કે દમન જેવું.

-”ખલીલ”

No comments:

Post a Comment