Wednesday, April 14, 2010

One Great sespense storey........मैं सच कहुंगी मगर फिर भी हार जाउंगी, वह झूठ बोलेगा और लाजवाब कर देगा.........Sarad thakar

मैं सच कहुंगी मगर फिर भी हार जाउंगी, वह झूठ बोलेगा और लाजवाब कर देगा.


સરલાબહેનને આ જ તકલીફ હતી. બહુ મોટી તકલીફ. મગજની અંદર સવાલ ફૂટે, પણ જીભ ઉપર શબ્દો ન ફૂટે. પ્રશ્નનો પીંડ બંધાય પણ એનો જન્મ ન થાય.

અત્યારે પણ એમ જ થયું. ”ખટ… ખટ… ખટાક…, ખટ… ખટ.. ખટાક…” કરતી દોડતી જતી ગીરનાર એકસપ્રેસના એ.સી. કાઁચમાં બાજુમાં બેઠેલી માંડ સત્યાવીસ – અઠ્ઠયાવીસની લાગતી સફેદ પરી જેવી રૂપાળી યુવતીના શ્વેત વસ્ત્રો, કોરું કપાળ અને અડવું ગળું જોઈને સરલાબહેનના દિમાગમાં જે ફૂટવો જોઈએ એ જ સવાલ ફૂટયો : ”વિધવા છો ?” પણ સારું થયું કે પૂછૂયું નહીં. આવો સંવેદનશીલ સવાલ આવી કઢંગી ભાષામાં ન જ પૂછાય; ખરેખરી વિધવાને પણ નહીં. પૂછપરછ નગ્ન લાગે. આવા સવાલને શાલીન શબ્દોનાં વસ્ત્રો પહેરાવવા જરૂરી બની જાય છે.

સરલાબહેને શબ્દોનું દરજીકામ કર્યું. કપડા તૈયાર થયા એટલે સાચવીને પેશ કર્યા : ”બહેન, શું નામ છે તારું ?”

પેલી ફિક્કું હસી : ”રચના.”

”સુંદર; બહુ સુંદર.”

”શું ? નામ ?”

”હા, નામ પણ અને તું પણ.” સરલાબહેન પ્રશંસાયુકત હસ્યા : ”ખરેખર કુદરત કયારેક એની શ્રેષ્ઠ રચનાને સ્ત્રીના સ્વરૂપમાં પૃથ્વી ઉપર મોકલી આપે છે.”

જરા પણ પરિચય વિના સરલાબહેન રચના સાથે વાતે વળગ્યાં. પોતે પિસ્તાળીસ વરસના હતા એટલે સાહજીકતાથી એમણે રચનાને એકવચનમાં સંબોધી. રચનાને પણ આ ‘તું કારા’થી સારું લાગ્યું.

સરલાબહેન હવે મૂળ મુદ્દા ઉપર આવ્યા : ”કેટલા વરસ ચાલ્યું લગ્નજીવન?”

રચના રડી પડી જવી જોઈતી હતી આ સવાલ સાંભળીને; પણ ખડખડાટ હસી પડી : ”લગ્નજીવન ? આન્ટી, હું પરણી જ નથી !”

”હેં ?!” સરલાબહેને ફરી એક નજર રચનાના કપાળ, ગળું અને શ્વેત વસ્ત્રો ઉપર ફરકાવી લીધી. દરેક જગ્યા ઉપર વૈધવ્ય એનું આસન બિછાવીને બેઠું હતું અને આ છોકરી કહે છે કે પરણી જ નથી. ”કુંવારી માતા” જેવો શબ્દ તો સાંભળ્યો છે, પણ ”કુંવારી વિધવા” કયારેય હોઈ શકે ખરી ?

”પરણી જ નથી ? તો પછી આ વૈધવ્યનો વેશ… ?” સરલાબહેન પરિસ્થિતિને પામવાનો પ્રયત્ન કરી રહ્યાં.

”આન્ટી, એ બહુ અટપટી વાત છે. તમે નહીં સમજી શકો.”

”પણ તું સમજાવ ને…”

”સારું; પણ મારી વાત સાંભળતા પહેલાં તમે એક-બે સવાલના જવાબ આપો.” રચના હવે ધીમે ધીમે ગાંભીર્ય ધારણ કરવા માંડી : ”એક સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્ન સંબંધ હોય અને પતિ મૃત્યુ પામે તો સ્ત્રીને વિધવા કહેવાય છેં; બરાબર ?”

”હા, બરાબર.”

”તો પછી એક પુરુષ મૃત્યુ પામે, ત્યારે એની પ્રેમિકાને આપણે શું કહીએ છીએ ?”

સરલાબહેને માથુ ખંજવાળ્યું, ”કશું નહીં. સમાજને તો એ પણ ખબર નથી હોતી કે મરનારને કોઈ પ્રેમિકા પણ હતી.”

”સાવ સાચું કહ્યું, આન્ટી ! સમાજને આજે પણ ખબર નથી કે આ રચના કયારેક કોઈની પ્રેમિકા હતી. એ પુરુષ મૃત્યુ પામ્યો. મારા કાંડા પરની બંગડીઓ તો નંદવાણી નહીં, પણ હૈયું નંદવાઈ ગયું. બસ, મેં નિર્ધાર કરી લીધો કે હું કયારેય કોઈની સાથે લગ્ન નહીં કરું અને જીવીશ ત્યાં સુધી મારા સાહિલની વિધવા પ્રેમિકા બનીને ફરતી રહીશ. હું જગતને મારો પ્રેમ તો ન બતાવી શકી, પણ મારી ઉદાસી તો બતાવી શકું ને ?”

સરલાબહેન સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા. ટ્રેઇન દોડી રહી હતી અને એમના વિચારો ટ્રેઇન કરતાં પણ વધુ ઝડપી ગતિથી દોડી રહ્યા હતા. સામે કેવી અદૂભુત પ્રેમિકા બેઠી હતી !

”સાહિલ નામ હતું એનું ?” સરલાબહેને પૂછવા ખાતર પૂછી લીધું, બાકી એમના મનમાં તો એક ચીસ ઊઠી રહી હતી. એક રૂપાળી, જુવાન સ્ત્રી જે ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં કોઈ સોહામણા અને ધનિક પુરુષની પત્ની બની શકે એવી છે, એ કોઈ આથમી ચૂકેલા ભૂતકાળ પાછળ પોતાનો વર્તમાન અને ભવિષ્ય વધેરી નાંખે એ ઘટના જ આખી કેવી કરૂણ અને પવિત્ર છે ?

”હા, સાહિલ !” રચના અતીતમાં ખોવાઈ ગઈ : ”શાયર હતો. અમારી વચ્ચે ઉંમરનો ખાસ્સો એવો તફાવત હતો, પણ અમે સાથે હોઈએ ત્યારે એ મારી જેવડો બની જતો. અમે પેટ ભરીને એકાંત માણ્યું છે, અને જ્યારે જ્યારે હું એની આંખોના દરિયા જેવા ઉંડાણમાં ખોવાઈ જતી, ત્યારે બસ, ખોવાઈ જ જતી. મને કયારેય મારો પ્રેમી આધેડ કે વૃદ્ધ લાગ્યો નથી. એના કાળા રંગેલા વાળ, નાક ઉપર ચશ્માને કારણે પડી ગયેલા કાળા ડાઘ, ગાલ ઉપરની કરચલીઓ, શરીરના તોફાનને માણી લીધા પછી એને લાગતો થાક…! આમાંથી કશું જ મેં ધ્યાનમાં લીધું નથી. કોઈ બીજો પુરુષ એ પછી મને ગમ્યો નથી. સાહિલ હતો એવો સંપૂર્ણ કે બીજો પુરુષ એની સામે ઊભો પણ રહી શકે નહીં.”

”તો તું એની સાથે પરણી કેમ ન ગઈ ?” સરલાબહેનને રચનાની પ્રેમકહાણીમાં રસ પડી રહ્યો હતો.

રચનાએ પહાડ જેવડો નિસાસો નાંખ્યો : ”એ પરણેલો હતો. આન્ટી. મેં કહ્યું ને કે અમારી વચ્ચે ઉંમરનો સારો એવો તફાવત હતો. અમે મળ્યાં એ પહેલાં વરસો પહેલાં એના લગ્ન થઈ ચૂકયા હતા. એને મારાથી સહેજ નાના બે સંતાનો પણ હતાં.”

”હં…! તો પછી સાહિલ તારા તરફ શા માટે આકર્ષાયો ?”

”તમારો સવાલ સાવ સાચો છે. એક વાર મેં પણ સાહિલને આ જ પ્રશ્ન પૂછૂયો હતો. મારો સવાલ સાંભળીને એમની આંખોમાં ભીનાશ આવી ગયેલી. પછી ધીમે ધીમે મને જાણવા મળ્યું કે એ ભીનાશ એક અતૃપ્ત લગ્નજીવનમાંથી ઉઠતા આક્રંદની ભીનાશ હતી, એ આંસુ એક જડસુ, અભણ, ગમાર, પત્નીના ગળામાં પરાણે બાંધી દેવામાં આવેલા એક ચળકતા હીરાની વેદનામાંથી જન્મેલા આંસુ હતા. એ એક ચીસ હતી, એક કર્કશા સ્ત્રી સાથે રોજ-રોજ ચાલતા રહેતા ઝઘડા અને વિખવાદમાંથી ઊઠી રહેલી ટીસ હતી. એની પત્ની સોક્રેટીસની પત્ની જેન્થીપી જેવી ઝગડાળુ હતી. સાહિલ એક ત્રસ્ત પતિ હતો.”

”સમજી ગઈ.” સરલાબહેન હસી પડયા : ”સોક્રેટીસ એની પત્નીના કારણે ફિલલૂફ બની ગયો અને સાહિલ એની કર્કશા પત્નીને કારણે એક પ્રેમી બની ગયો, બરાબર ને ?”

”હા, એમ જ.” રચનાએ હસ્યા વગર હોંકારો ભણ્યો ”એક ગમાર સ્ત્રી સાથે પરણવું પડયું એ સાહિલની બદકિસ્મતી હતી અને હું મારા પ્રેમી જોડે ન પરણી શકું એ મારી મજબૂરી હતી. આ બદકિસ્મતી અને મજબૂરીની પ્રચંડ શિલાઓ વચ્ચે બે પ્રેમીઓ ભીંસાતા રહ્યા, ચગદાતા રહ્યા અને છતાં પણ પ્રેમનું ગુલાબ ખીલાવતાં રહ્યાં.”

”પછી ?”

”બસ, પછી શું ? અમે અમારી જિંદગી અમારી રીતે માણી લીધી. જે શારીરિક સુખ સાહિલને એની પત્ની તરફથી નહોતું મળતું એ મેં આપ્યું. જે પ્રેમની એને તરસ હતી એ મેં છિપાવી. એ દર શનિ-રવિએ મારા ઘરે આવતા અને દોઢ દિવસનું દામ્પત્ય ભોગવીને ચાલ્યા જતા. અને પછી અચાનક એક દિવસ હાર્ટ એટેક નામની વીજળી સાહિલની છાતી ઉપર ત્રાટકી અને એમને લઈને ચાલી ગઈ. મારી કમનસીબી કે હું એમના શબના અંતિમ દર્શન કરવા પણ જઈ ન શકી. પણ દિલથી હું એમની પ્રેમિકા હતી, તો મનથી એમની પત્ની હતી. એમના અવસાન પછી મેં નક્કી કર્યું કે જીવનભર હું વૈધવ્ય પાળીશ. એમના નામનું પાનેતર તો આ શરીર ઉપર ધારણ ન કરી શકી, પણ એમના નામની સફેદ સાડી તો પહેરી શકું છું ને… ? એમાં તો સાહિલની પત્ની પણ આડો હાથ દેવા નહીં આવી શકે…” રચનાની આંખમાં બાઝેલા આંસુના પડદા પાછળ ગૌરવ ઝલકતું હતું.

સરલાબહેને સમાપન કરતાં હોય એવો સવાલ પૂછૂયો : ”તું કયારેય સાહિલની પત્નીને મળી હતી ખરી ? એનાં બાળકો ? એનું ઘર… એમની કોઈ નિશાની ?”

”ના, હું કયારેય સાહિલના ઘરે ગઈ જ નથી. એ જ મારે ત્યાં આવી જતા.” રચનાએ સ્વસ્થ થઈ આંસુ લૂછૂયા. પછી પર્સમાંથી એક તસ્વીર કાઢી : ”એમની એક જ નિશાની છે મારી પાસે… આ તસ્વીર ! એક મુશાયરામાં એ પોતાની ગઝલ પેશ કરી રહ્યા છે. રોજ હું આ તસ્વીર મારી સાથે જ રાખું છું.”

સરલાબહેને તસ્વીર હાથમાં લીધી. ધ્યાનથી જોઈ. પછી ચૂપચાપ એમની પર્સમાંથી એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ બહાર કાઢૂયો : ”આ ફોટોગ્રાફ મારા પતિ સુરેન્દ્ર શાહનો છે. એ પણ બે વરસ પહેલાં હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યા. અમારું લગ્નજીવન અત્યંત સુખી હતું. એ ગામડાના હતા, મારાથી ઓછું ભણેલા હતા, અમે પ્રેમલગ્ન કર્યા હતા અને લગ્ન પછી પણ એકબીજાને પ્રગાઢપણે પ્રેમ કરતાં હતાં…”

”પણ…પણ… આ… તો…” રચના તસ્વીરમાં સુરેન્દ્ર શાહનો ચહેરો જોઈને ખળભળી ઊઠી.

”હા, મારા પતિ કાપડના વેપારમાંથી સમય ચોરીને કયારેક કવિતા ઉપર પણ હાથ અજમાવતા રહેતા હતા. એ શાયરીના જગતમાં ‘સાહિલ’ના તખલ્લુસથી પ્રખ્યાત હતા.”

”પણ સાહિલ તમારા પતિ…? તમે તો સુંદર, સુશિક્ષિત અને સમજદાર દેખાવ છો ! સાહિલ તો કહેતા હતા કે એમની પત્ની…!” રચનાને લાગેલો આઘાત એના ચહેરા ઉપરથી વાંચી શકાતો હતો.

”હા, મને એક વાતની એમના મૃત્યુ પછી જ ખબર પડી. સાહિલે આવું ફકત તમને જ નહીં, અનેક યુવતીઓને કહ્યું હતું. એમની જેટલી શાયરીઓ હતી એટલી પ્રેમિકાઓ હતી અને દરેક રૂપાળી, મૂર્ખ સ્ત્રીને એ એવું જ સમજાવતા રહ્યા કે એમનું અંગત જીવન અત્યંત દુ:ખી છે. એક પુરૂષ એની લંપટતાને ઝગડાખોર પત્નીની કાલ્પનિક ચાદર હેઠળ ઢાંકતો રહ્યો. એ મૃત્યુ પામ્યો ત્યારે એક સાથે અનેક સ્ત્રીઓ વિધવા બની. એમાંની એક તું પણ ખરી…!”

રચના અવાકૂ બની ગઈ. થોડી વારે માંડ એને શબ્દો લૂઝૂયા : ”પણ આન્ટી, તમે તો રંગીન સાડી ધારણ કરી છે અને કપાળમાં લાલચટ્ટાક ચાંદલો છે અને ગળામાં મંગળલૂત્ર પણ…”

”હા, રચના ! વ્યભિચારી ધણીના મોત પાછળ વૈધવ્યનો વેશ વેંઢારીને ફરવું એ નરી મૂર્ખતા છે. સફેદ સાડી અને કોરું કપાળ તો માંગલ્યનું પ્રતીક છેં; એને વેડફી ન દેવાય ! આ વાત જેટલી મારા માટે સાચી છે એટલી જ તારા માટે પણ સાચી છે. હવે પછી શરીર ઉપર અને મન ઉપર ચડેલો શ્વેત રંગ ઉતારી નાંખજે અને… અને કોઈ સારો, સંસ્કારી છોકરો મળે એની સાથે પરણી જજે… મારા તને આશીર્વાદ છે…!”

ટ્રેનનો ખટૂ… ખટૂ… ખટાક અવાજ ધીમો પડી રહ્યો હતો. સ્ટેશન આવી ગયું હતું. એક પ્રવાસ પૂરો થયો હતો; આગગાડીનો પણ અને એક કુંવારી, અબુધ, પ્રેમિકાની પાટેથી ઊતરી પડેલી જીવનસફરનો પણ….!

I Think u enjoy this story written by my Favorite Writer...........Dr.Sarad Thakar,

He is great writer in Gujarati Literature........!!!

Write your comments please

Jay Shree Krushna.........!!!!

Jay Sai Nath............!!!!


No comments:

Post a Comment