પાર્થેશ હમણાં જ જમીને ઓફિસે જવા નીકળ્યો હતો અને ટેલીફોનની ઘંટડી રણકી ઊઠી. કોમલે ભીના હાથ સાડીના છેડાથી લૂંછૂયા અને રિસિવર ઊઠાવ્યું, ”હલ્લો! આપને કોનું કામ છે?”
”તમારું…” સામે છેડે કોઈ અજાણ્યો અવાજ હતો.
”તમે કોણ બોલો છો?” કોમલને ફોન કરનારની વાત કરવાની રીત જરા પણ ગમી નહીં.
”તમારો શુભચિંતક… !”
”શુભચિંતકને નામ પણ હોય ને!”
”ના, શુભચિંતક પાસે માત્ર માહિતી જ હોય…” નનામો અવાજ ચાલાક સાબિત થઈ રહ્યો હતો. કોમલ ચૂપ રહી. અજાણ્યા માણસ ઉપર ભરોસો શી રીતે મૂકી શકાય? અને ચૂપ રહેવા છતાં એ માણસ જે માહિતી આપવા માગે છે એ તો આપવાનો જ છે.
અને એની ધારણા સાચી ઠરી. નામ વગરના અવાજે એની પાસે હતી એ ‘એકસકલુઝીવ’ ખબર ફોનના દોરડામાં ઠાલવી દીધી: ”તમારો હસબન્ડ પાર્થેશ તદ્દન ચારીત્ર્યહીન છે. એ તમને અંધારામાં રાખીને અનેક સ્ત્રીઓની સાથે રંગરેલીયા મનાવી રહ્યો છે…”
”શટ અપ!” કોમલ ગર્જી ઊઠી: ”મારા પાર્થેશ વિષે એક પણ શબ્દ બોલશો નહીં. અમે પાંચ વરસથી એકબીજાને ઓળખતા હતા. પછી અમે પરણ્યા છીએ. એ મને ચાહે છે અને… અને એ હકીકત હું જાણું છું. આનાથી વધુ કંઈ પણ જાણવાની મને જરૂર નથી લાગતી. નાઉ, યુ પુટ ડાઉન ધી રિસિવર!”
શુભચિંતકે ફોન કાપી નાખ્યો. કોમલ જરા પણ અસ્વસ્થ ન બની. એ શાંતિથી કામ કરતી રહી. કિચનમાંથી પરવારીને એ ડ્રોઇંગ રૂમમાં આવી. ટી.વી. સેટ ઓન કર્યો. વાનગી બનાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ફાઇવ સ્ટાર કૂક કારેલાનો હલવો કેમ બનાવવો એ વિષે દેશની સ્ત્રીઓને ‘ગાઇડ’ કરી રહ્યો હતો. એ ગાઇડ કરી રહ્યો હતો કે મિસગાઇડ એ તો હલવો ચાખ્યા પછી જ કહી શકાય એમ હતું!
સાંજે પાર્થેશ આવ્યો ત્યારે કોમલના વર્તનમાં કે એના ચહેરા પર પેલા અજાણ્યા ટેલીફોને પાડેલો એક પણ ઉઝરડો દેખાતો ન હતો. એણે હસીને પતિને આવકાર્યો, પ્રેમથી જમાડયો અને જાણે કશું જ બન્યું ન હોય એમ એની રાત શણગારી આપી. બે મહિના સુખની પાંખ ઉપર સવાર થઈને ઊડી ગયા.
એ પછી ફરી એક વાર કોમલના કાનમાં નનામું ઝેર રેડાયું. બપોરના ત્રણ વાગ્યા હતા. એ પાર્થેશ માટે સ્વેટર ગૂંથી રહી હતી. અને ફોનની ઘંટડી વાગી.
”હલ્લો, કોમલ! પ્લીઝ, ફોન કાપી ન નાખશો. મારી વાત ન માનવી હોય તો ન માનશો.” અવાજ શુભચિંતકનો જ હતો એ પારખતાં કોમલને વાર ન લાગી. એ ફોનની લાઇન કાપવા જ જતી હતી, પણ કોણ જાણે કેમ એણે રિસિવર પકડી રાખ્યું. સાવ રૂક્ષ અવાજમાં એણે કહ્યું : ”બોલો, શું છે?”
”મને ખબર છે કે તમને તમારા પતિની ચાલચલગત ઉપર જરૂરત કરતાં પણ વધારે વિશ્વાસ છે, પણ પાર્થેશ અત્યારે કયાં છે એ જાણવું છે તમારે?”
”કયાં છે?”
”હોટલ ‘ફ્રિ રોમાન્સ’ના રૂમ નંબર પાંચસો પાંચમાં. સાથે એક છોકરી પણ છે, તમારાથી વધુ યુવાન અને વધારે રૂપાળી… ! નામ જાણવું છે તમારે એનું?”
”ના.” કોમલે દાંત ભીંસીને જવાબ ફટકાર્યો : ”એ બંધ કમરામાં એ રૂપાળી યુવતી સાથે જે હશે એ એનો પ્રેમી હશે, મારો પાર્થેશ નહીં. મારો પતિ તો અત્યારે એની ઓફિસમાં કામ કરી રહ્યો છે. અને એક છેલ્લી ચેતવણી, હવે પછી ટેલીફોનના દોરડામાં તમારી દિમાગી ગટર ઠાલવવાની કોશિશ કયારેય ન કરશો, મારી દિશામાં તો નહીં જ!” કોમલે એટલા જોશપૂર્વક રિસિવર પછાડયું કે સામેના છેડે સાંભળનારના કાનનો પડદો ધ્રૂજી જાય! વળતી જ ક્ષણે એણે મનમાં રેડાયેલું ઝેર દિમાગમાંથી ખંખેરી નાખ્યું. ફરીથી એ સ્વેટર ગૂંથવામાં તલ્લિન થઈ ગઈ, આ વખતે દોરાની સાથે સાથે એનો પ્રેમ પણ પરોવાતો ગયો.
એ રાત્રે એણે પાર્થેશ માટે એને ખૂબ ભાવતી ખાંડવી બનાવી. પાર્થેશે થોડી જ ખાધી. કોમલે એક પણ સવાલ ન કર્યો, બાકી એ ધારે તો ઘણું બધું પૂછી શકે એમ હતી. ‘પેટ કેમ ભરેલું છે? હોઠ કેમ લૂઝેલો છે? ગાલ ઉપર બે આછા-આછા દાંતના નિશાન જેવું શું છે?’ વગેરે… વગેરે… ! પણ પ્રશ્નપત્ર કાઢૂયા વગર જ એણે ઉત્તરવહી તપાસી લીધી: ”તબિયત ઠીક નથી, ઓફિસમાં નાસ્તો કર્યો હતો, હોઠ અને ગાલ ઉપર જીવડું કરડી ગયું છે…”
કોમલે કશું જ ન પૂછૂયું અને છતાં એ જે ઇચ્છતી હતી એવા જવાબો ધારી લીધા. એ રાતે પાર્થેશ પથારીમાં પડયો એવો જ ઊંઘી ગયો. કોમલ મોડે સુધી પતિના કપડાંને ઇસ્ત્રી કરતી રહી. પછી થાકી એટલે બત્તી બૂઝાવીને પથારીમાં પડી. કયાંય સુધી એનો હાથ પાર્થેશના માથામાં વહાલ બનીને ફરતો રહ્યો. રાત વીતી ગઈ, દિવસો ઊડતા ગયા, કેલેન્ડરના પાનાંઓમાંથી મહિનાઓ ખરી પડયા.
બે મહિને, ચાર મહિને અજાણ્યો અવાજ ટેલીફોનમાંથી ટપકતો રહ્યો. નનામી માહિતી વધુ ધારદાર, વધુ સજ્જડ, વધુ ખાત્રીબંધ થતી ગઈ. સામે પક્ષે કોમલ પણ વધારે ને વધારે મક્કમ સાબિત થતી રહી.
”કોમલ, હું શુભચિંતક બોલું છું. પાર્થેશ અત્યારે એની પ્રેમિકા સાથે ગોવાની એક હોટલમાં કાજુ ફેણીની મજા માણી રહ્યો છે.”
”હું કેવી રીતે તમારી વાત માની લઉં?” કોમલ જવાબ આપતી. ”મારો પાર્થેશ તો અત્યારે મુંબઈમાં છે. ઓફિસના કામ માટે ગયો છે. હમણાં જ એનો ફોન હતો… મુંબઈથી…”
”એ ફોન મુંબઈથી નહોતો, ગોવાથી હતો.”
”તમે જુઠ્ઠું બોલો છો!!”
”તમને સાબિતી આપું. ગોવાની હોટલનો ફોન નંબર લખાવું. તમે રૂમ નંબર એકસો બત્રીસનું એકસટેન્શન માગીને તમારા પતિ સાથે વાત કરી શકો છો. તમારો અવાજ સાંભળીને એ બેભાન થઈ જાય, પછી તો તમે કહેશો ને કે હું સાચું બોલી રહ્યો છું?!”
જવાબમાં ફરીથી કોમલે રિસિવર પછાડયું. એને કોઈ ફોન નંબર અજમાવવાની જરૂર નહોતી. એનો પતિ ફકત એનો જ હતો, બીજા કોઈનો નહીં. દામ્પત્યજીવન વફાદારીને લીધે ટકતું હોય છે અને વફાદારી વિશ્વાસમાંથી જન્મે છે. સુખી લગ્નજીવન માટે પતિ-પત્નીએ કયારેય એકબીજાના કેરેકટર સર્ટિફિકેટ ન માગવા જોઈએ.
બે દિવસ પછી પાર્થેશ બિઝનેસ ટૂર પતાવીને પાછો ફર્યો. એ અત્યંત થાકેલો લાગતો હતો. આંખોમાં ઉજાગરાનો ભાર અને લાલાશ દોરાયેલા હતા. પણ કોમલે એમ પણ ન પૂછૂયું કે આ લાલાશ બિયરની તો નથીને? એણે ધારી લીધું કે એ વિરહની અસર છે.
એ સાંજ તો આરામથી પસાર થઈ ગઈ. પણ રાત્રે એ રસોઈ બનાવી રહી હતી, ત્યાં ફોનની ઘંટડી રણકી ઊઠી. કોર્ડલેસ ઇન્સ્ટ્રુમેન્ટ હાજર હતું. પાર્થેશે ફોન રિસિવ કર્યો. પૂરી પાંચ મિનિટ સુધી એ કોઈની સાથે વાતચિત કરતો રહ્યો. એના જવાબો ટૂંકા હતા. ફોન પત્યા પછી એનો ચહેરો ગંભીર હતો. થોડી વારના મૌન પછી એણે પત્નીને પૂછૂયું : ”કોમલ, ગઈ કાલે બપોરે તું ‘ફિલ્મ’ જોવા ગઈ હતી?”
”હા.” કોમલને આશ્ચર્ય થયું : ”તને શી રીતે ખબર પડી?”
પાર્થેશે જવાબ ઉડાવ્યો: ”કોની સાથે ગઈ હતી?”
”બાજુવાળા મનિષાબેનની પિન્કી જોડે. કોઈ મારી ઉંમરની કંપની ન મળી. એટલે પછી એને સાથે લીધી.”
”અને તારી સાથે કોલેજમાં ભણતો હતો એ મૌલિન પણ સાથે હતો ને?”
”ના, એ સાથે નહોતો, આકસ્મિક રીતે જ એ મારી બાજુની ખુરશીમાં મળી ગયો. વરસો પછી મેં જોયો એને… ! પણ તું આમ પોલીસની જેમ કેમ પૂછી રહ્યો છે?”
”હા, કોમલ! કારણ કે અત્યારે હું પતિ નથી, પોલીસ છું. અને હમણાં જ મને કોઈ શુભચિંતકે ફોન કરીને માહિતી આપી… ! અજાણ્યા માણસની જ વાતને સાવ ફેંકી ન દેવાય. આખરે તો આ ચારિત્ર્યનો મામલો છે, કોમલ!”
પાર્થેશ બોલતો રહ્યો. કોમલને આખું રસોડું ગોળ-ગોળ ફરતું હોય એમ લાગ્યું. એના હાથમાંથી કાચની સુંદર નકશી કરેલી બરણી ફર્શ પર પડી. તૂટીને ચૂર-ચૂર થઈ ગઈ.
kevi lagay amara faverite writer,
please give me a comment on this story my friends,
Jay Shree krushna.........!!!
Jay Sai Nath...........!!!
No comments:
Post a Comment